ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઇઝરાયલને મદદની ખાતરી આપવા તેલ અવીવ પહોંચી ગયા છે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા બાદ તેઓ એવા જર્મન પરિવારોને પણ મળશે જેમના સંબંધીઓ હમાસ દ્વારા બંધક છે.
અમેરિકા ઇઝરાયલમાં પોતાના 11 હજાર સૈનિકો તૈનાત કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ સૈનિકો સીધા યુદ્ધ નહીં લડે, પરંતુ ઇઝરાયલી દળોને ટેકનિકલ અને મેડિકલ સપોર્ટ આપશે. આ દરમિયાન અમેરિકન આર્મી ચીફ માઈકલ એરિક કુરિલા પણ ઇઝરાયલ પહોંચી ગયા છે.
બીજી તરફ ઈરાને ઇઝરાયલ અને તેને ટેકો આપતા દેશોને કડક ચેતવણી આપી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમેનીએ મંગળવારે કહ્યું કે જો ઇઝરાયલ ગાઝા પર બોમ્બમારો બંધ નહીં કરે તો વિશ્વ મુસ્લિમ દળોને રોકી શકશે નહીં.
7 ઓક્ટોબરે ઇઝરાયલમાં હમાલ હુમલા બાદથી ઇઝરાયલી દળો ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યા છે. આ હુમલા દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને રફાહમાં કરવામાં આવ્યા છે. માહિતી મળી છે કે ત્યાં 24 કલાકમાં બાળકો સહિત 70થી વધુ લોકોના મોત થયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયલના 1400 લોકો, ગાઝાના 2808 લોકો અને પશ્ચિમ કાંઠાના 57 લોકો માર્યા ગયા છે.