જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા 2 દિવસની ભારતની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યાં છે. અહીં તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ પછી કિશિદાએ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ પીએમ કિશિદાને ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપી હતી.
મોદી અને કિશિદાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાપાનના વડાપ્રધાન અને ભારતના PM મોદી લસ્સી બનાવતા અને પાણીપુરી ખાતા જોવા મળે છે. આ વીડિયો દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કનો છે. મોદી અને કિશિદા પાર્કની આસપાસ ફર્યા અને લાકડાની બેન્ચ પર બેસી ચર્ચા પણ કરી.
કિશિદાનું ભારતમાં સ્વાગત
જાપાનના વડાપ્રધાન કિશિદાએ કહ્યું- મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે. હું ભારતની ધરતી પરથી સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક માટે મારું વિઝન શેર કરીશ. તે જ સમયે પીએમ મોદીએ કહ્યું- હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષમાં હું તેમને ઘણી વખત મળ્યો છું. આ દરમિયાન, હું હંમેશા બંને દેશો વચ્ચેના સંબંધો વિશે હકારાત્મક અનુભવું છું. આજે મેં તેમની સાથે અમારા G-20 પ્રેસિડન્સીની પ્રાથમિકતાઓ વિશે વાત કરી. અમારો ધ્યેય બધાને સાથે લઈ જવાનો છે.