તમે હરતાં-ફરતાં જંગલ વિશે સાંભળ્યું છે? નેધરલેન્ડ્સના લીયૂવાર્ડેન શહેરમાં એક જંગલ ફરી રહ્યું છે. 1 હજાર વૃક્ષોનું આ જંગલ ચાલીને શહેરના કોઈ પણ ભાગમાં પહોંચી જાય છે. શહેરની હવાને સાફ કરે છે અને તાપમાન ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. યુરોપના હીટવેવ સહન કરી રહેલા લોકોને ફરીવાર પર્યાવરણ સાથે જોડવા માટે ત્રિવાર્ષિક કળા ઉત્સવ આર્કાડિયામાં ‘બોસ્ક’ પ્રોગ્રામ શરૂ કરાયો છે.
સ્થાનિક ભાષામાં ‘બોસ્ક’ શબ્દનો અર્થ ‘જંગલ’ થાય છે. આ પ્રોગ્રામ હેઠળ 2 મીટર લાંબા અને 1 મીટર પહોળાં લાકડાનાં 800 બોક્સ બનાવાયાં છે જેમાં 1 હજાર વૃક્ષો છે. તેમાં 60-70 સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. દરેક બોક્સ પર ક્યૂઆર કોડ પણ છે જેને સ્કેન કરી આ વૃક્ષો વિશે માહિતી મેળવી શકાય છે. તેમાં સેન્સર પણ લગાવાયાં છે જે પાણીની જરૂર પડતાં શહેરની વાનિકી ટીમને મેસેજ મોકલે છે. સૌથી પહેલા આ વૃક્ષો રેલવે સ્ટેશન નજીક લગાવાયાં હતાં. નજીકના જ એક હોટલ મેનેજર જુક્જે વિટકોપે કહ્યું કે આ વૃક્ષોને જોઈ શાંતિ મળે છે. ગરમીથી રાહત મળે છે. ભગવાન જાણે આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષો કેમ નથી પણ હવે અમે હોટલના પરિસરમાં આવાં જ 10 બોક્સમાં વૃક્ષો વાવવા જઈ રહ્યાં છીએ.
આ પ્રોજેક્ટ પછી સ્થાનિક બીયર કંપનીએ બોક્સ બીયર વેચવાની શરૂઆત કરી. આ બીયરની દરેક ખરીદી પર કંપની 10 સેન્ટ એટલે કે 8 રૂપિયા રાષ્ટ્રીય વૃક્ષારોપણ અભિયાનને દાન કરશે. હાલના સમયે સિટી સેન્ટરની ચારેબાજુ આશરે 3.5 કિ.મી.ના દાયરામાં આ વૃક્ષો રખાયાં છે. આર્કાડિયાના કળા નિર્દેશક જ્યોર્ડ બૂત્સમા કહે છે કે બીજા શહેરના સિટી સેન્ટર મેનેજર આ હરતાં-ફરતાં જંગલને જોવા આવી રહ્યા છે. ચર્ચને પણ આ ખૂબ જ પસંદ છે. તે પોતાને ત્યાં આ રીતે જ વૃક્ષો વાવવા માગે છે. યુરોપનાં 300 શહેરો પર કરાયેલા અભ્યાસથી એ જાણ થઇ કે શહેરોમાં વૃક્ષો-છોડથી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટાડી શકાય છે.