યુક્રેન પર રશિયાનાં હુમલા 393માં દિવસે પણ જારી છે. દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિને જાહેરાત કરી છે કે, બેલારૂસમાં પરમાણુ હથિયારો ગોઠવાશે. પશ્ચિમી દેશો સાથે વધતા જતા તણાવ વચ્ચે પુટિને કહ્યું છે કે, તેમનો આ નિર્ણય ન્યૂક્લિયર ટ્રીટીની જોગવાઇનાં ભંગ સમાન બિલકુલ નથી.
અમેરિકાએ પણ કેટલાક દેશોમાં પોતાના પરમાણુ હથિયારો ગોઠવ્યા છે. હવે રશિયા પણ આ દિશામાં વધવા ઇચ્છુક છે. તેમણે કહ્યું હતું કે, 1990નાં દશક બાદ પ્રથમ વખત રશિયન પરમાણુ હથિયારો દેશની બહાર ગોઠવવામાં આવનાર છે.
પુટિનની આ જાહેરાત પાછળ નક્કર કારણ છે. કારણ કે, બેલારૂસની સરહદ નાટો દેશ પોલેન્ડ, લિથુઆનિયા અને લેટવિયા સાથે જોડાયેલી છે. રશિયા અને બેલારૂસ વચ્ચે મજબૂત સંબંધ છે. ગયા વર્ષે બેલારૂસે રશિયાને યૂક્રેનમાં સેના મોકલવા માટે પોતાના ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.બીજી બાજુ પુટિનનાં આ નિર્ણય પર અમેરિકાએ ખુબ સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી છે.