શું તમે જાણો છો કે લોકેશન જણાવવાના પૈસા મળે છે? તમે ક્યાં છો એ જણાવીને ઘણી કંપનીઓ કરોડો રૂપિયા કમાઇ રહી છે. લોકેશન જણાવવાનું આ માર્કેટ વિશ્વભરમાં 95 હજાર કરોડ રૂ.થી વધુનું થઇ ગયું છે. આ બધું તમારા ફોનથી થાય છે. તેમાં ઇન્સ્ટોલ્ડ તમામ ઍપ્સ તમારું લોકેશન ટ્રેક કરતી રહે છે.
ઍપ ઇન્સ્ટોલ કરતી વખતે જ તેની મંજૂરી લઇ લેવાય છે. હવામાન, ફૂડ ડિલિવરી, ડેટિંગ, ગેમિંગ જેવી ઍપ્સ આવું વધારે કરે છે. ઘણી ઍપ્સ છાનીમાની તમારું લોકેશન ટ્રેક કરે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના 2018ના એક રિપોર્ટ મુજબ માત્ર અમેરિકામાં જ ઍપ્સ દ્વારા 20 કરોડ મોબાઇલના લોકેશન ટ્રેક કરાતા હતા. ઘણીવાર એક જ દિવસમાં 14 હજાર વખત પણ મોબાઇલ લોકેશન મોકલાયા હતા. તેનાથી લોકોની પ્રાઇવસી જોખમાઇ છે.
પ્રાઇવસી એક્સપર્ટ-લૉયર નેથન વેસલર કહે છે કે લોકેશન ટ્રેક કરવાથી માંડીને તમારા સૂવા-ઊઠવા સહિતની માહિતી બીજા પાસે પહોંચી જાય છે. તમે કોને મળો છો, કોની સાથે હરો-ફરો છો, ક્યાં જાવ છો, ક્યાંથી આવો છો એ બધાનો ડેટા હોય છે. આવી માહિતીથી તમારી પ્રાઇવસી જોખમમાં મુકાય છે. આવા કિસ્સા સતત વધી રહ્યા છે. એસોસિયેટેડ પ્રેસના રિપોર્ટ મુજબ પોલીસ સેલફોન ટ્રેકિંગ ટૂલનો ઉપયોગ કરે છે. કંપનીઓ પકડાય ત્યારે પસ્તાવો વ્યક્ત કરી લે છે પણ ડેટા તો સ્ટોર કરતી જ રહે છે.
ફેસબુકની મેટાએ લોકેશન બંધ કરવા છતાં લોકેશન ટ્રેક કરતા કોર્ટના આદેશ પર 7 કરોડ યુઝર્સને 300 કરોડ રૂ. વળતર આપ્યું પણ પોતાની ભૂલ ન માની. કેનેડામાં કોફી ચેન ટીમ હૉર્ટને તેની એપનો ઉપયોગ કરનારાઓના લોકેશન ટ્રેક કરવા બદલ માફી માગી.
સંશોધકોએ નોંધ્યું કે એક એવરેજ વર્કિંગ પર્સનના મોબાઇલમાં 25 આસપાસ ઍપ હોય છે જ્યારે લોકેશન ટ્રેક કરતી ઍપ્સ હજારોમાં છે. 2020ના એક રિપોર્ટ મુજબ ફેડરલ એજન્સીએ મુસ્લિમ પ્રેયર અને કુરાન જેવી ઍપ્સ દ્વારા લોકેશન ડેટા એકત્રિત કર્યો. એક કેથલિક પ્રીસ્ટને એટલા માટે કાઢી મુકાયા કે તેમનું લોકેશન ગે બાર નજીક જણાયું હતું.
લોકેશન ડેટાથી કમાણી, સર્ચ હિસ્ટ્રી-લાઇક્સનો ડેટા પણ વેચાય છે
ઍપ્સ દ્વારા એકઠો કરાયેલો આ ડેટા કંપનીઓ બ્રોકર્સ, એગ્રીગેટર્સ અને લૉ એજન્સીઓને વેચી દે છે. એડ. કંપનીઓ તેમની સાથે જોડાયેલી હોય છે. તે સોશિયલ મીડિયા લાઇક્સ અને સર્ચ હિસ્ટ્રીના લોકેશન મેચ કરીને એડ. આપવાનું શરૂ કરી દે છે. એડ. કંપનીઓને આવી ટાર્ગેટેડ એડ્સ માટે ક્લાયન્ટ્સ દ્વારા ઘણું વધારે પેમેન્ટ કરાય છે. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પાસેથી દર વર્ષે લાખો યુઝર્સની માહિતી માગવામાં આવે છે અને 90% કિસ્સામાં લોકેશન, સર્ચ હિસ્ટ્રી, લાઇક્સ, કમેન્ટ્સ, ખરીદી વગેરે માહિતી આપી પણ દેવાય છે. તેથી લોકેશન ઑફ રાખો.