પંજાબમાં, ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અમૃતપાલની ધરપકડ માટે રાજ્યમાં સતત બીજા દિવસે પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. અહીં જલંધર રેન્જના DIG સ્વપન શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં અમૃતપાલના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના કનેક્શનનો ખુલાસો કર્યો છે. અમૃતપાલ સિંહના ટોચના ધરપકડ કરાયેલા ચાર સહયોગીઓને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યા છે. ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એરફોર્સનું એક વિશેષ વિમાન તેમને ઉચ્ચ સુરક્ષાવાળી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં આસામ લઈ જશે. ચાર કટ્ટરપંથીઓની સાથે પંજાબ પોલીસની 30 સભ્યોની ટીમ હતી.
પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ આનંદપુર ખાલસા ફોર્સ (AKF)ની રચના કરી રહ્યો હતો. પોલીસને તેના ઘરે અને તેના સાથીઓ પાસેથી મળી આવેલાં હથિયારો પર AKF લખેલું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે અમૃતપાલ AKFના નામે પોતાની ખાનગી સેના તૈયાર કરી રહ્યો હતો.
અમૃતસર ગ્રામીણ SSP સતીન્દર સિંહે દાવો કર્યો હતો કે અમૃતપાલના નજીકના સાથી પાસેથી 100થી વધુ ગેરકાયદે કારતૂસ મળી આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કારતૂસ ક્યાંથી આવ્યા, તો તેમણે કહ્યું કે અમૃતપાલે કોઈ જાણીતા પાસેથી તેને આ કારતૂસ અપાવ્યા હતા.
વકીલનો દાવો- અમૃતપાલ પોલીસ કસ્ટડીમાં છે
અમૃતપાલના વકીલ ઈમાન સિંહ ખારાએ રવિવારે પંજાબ અને ચંદીગઢ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે, પરંતુ તેમની ધરપકડ બતાવવામાં આવી રહી નથી.
અરજીમાં માગ કરવામાં આવી હતી કે અમૃતપાલ સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવે. અરજી પર સુનાવણી હાઈકોર્ટના જસ્ટિસ શેખાવતના ઘરે થઈ હતી. આમાં કોર્ટે અમૃતપાલને રજૂ કરવા માટે વોરંટ અધિકારીની નિમણૂક કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પંજાબ સરકારને નોટિસ જારી કરીને તેનો જવાબ માગ્યો હતો. આ અરજી પર આગામી સુનાવણી 21 માર્ચે થશે.