શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, માતાપિતાએ વહેલું ઉઠવાનું કહેતા તરુણી હંમેશા માટે પોઢી ગઇ હતી. કોઠારિયા સોલવન્ટ પાસેની શિવમ સોસાયટીમાં રહેતી મનિષા શેષનાથ પ્રજાપતિ (ઉ.વ.15)એ રવિવારે બપોરે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં પરિવારજનોએ તેને નીચે ઉતારી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. તરુણીના આપઘાતની ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી.
ઉત્તર પ્રદેશના વતની શેષનાથ પ્રજાપતિને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે, અને પોતે કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, બીજા નંબરની પુત્રી મનિષા ધોરણ 8માં અભ્યાસ કરે છે, મનિષા દરરોજ સવારે મોડી દશેક વાગ્યાના અરસામાં ઉઠતી હોય માતાપિતા બંનેએ તેને વહેલા ઊઠી અભ્યાસ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. માતાપિતાના ઠપકાનું માઠું લાગતા તરુણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી પ્રજાપતિ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જ્યારે સિવિલ હોસ્પિટલમાં બે બાળકીના બેભાન હાલતમાં મૃત્યુ થયા હતા. કોઠારિયા રોડ પરના સ્વાતિપાર્કની બાજુમાં આવેલા હાપલિયા પાર્કમાં રહેતા કિશોરભાઇ ડોડિયાની 5 વર્ષની પુત્રી અદિતી શનિવારે સાંજે પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું, અન્ય એક કિસ્સામાં ગોંડલના કોલીથડમાં રહેતા મનિષાબેન અર્જુનભાઇ પરમારે રવિવારે કોલીથડની સરકારી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો, જન્મ બાદ બાળકીની તબિયત લથડતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.