ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગયા વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.
ધો. 10ની પરીક્ષા આજથી 21 માર્ચ સુધી ચાલશે
ધોરણ 10ની પરીક્ષા આજથી 21 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10થી 1.15 સુધીનો છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીનો છે. ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનનાં 981 કેન્દ્ર પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર પર અને 12 સાયન્સની પરીક્ષા 147 કેન્દ્ર પર યોજાઈ રહી છે.