રાજકોટમાં કંજંક્ટિવાઈટિસના કેસમાં હવે રાહત આવવાની શરૂ થઈ છે. વરસાદની પેટર્નને કારણે રાજકોટમાં આ રોગ વધુ વકરી શક્યો નથી તેવો તબીબોનો મત છે. કંજંક્ટિવાઈટિસ ભેજવાળા તેમજ વાદળછાયા વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. દર ચોમાસે વરસાદ બાદ ઈન્ફેક્શનની સંખ્યા વધે છે જોકે એકાદ વર્ષ તેનો ઉપદ્રવ વધારે રહે છે.
ચોમાસું બેસતાં જ અમદાવાદ, સુરત અને ભાવનગરમાં આંખના આ ચેપી રોગે ભારે ઉપદ્રવ મચાવ્યો હતો. બાદમાં રાજકોટમાં તેના કેસ આવવા લાગ્યા હતા અને 15 દિવસમાં જ ચેપી રોગે ચારેકોર ચર્ચામાં સ્થાન જમાવ્યું હતું. જોકે એક સપ્તાહથી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તબીબો જણાવી રહ્યા છે કે તડકા પડવા લાગે એટલે કંજંક્ટિવાઈટિસના વાઇરસની તાકાત તુરંત તૂટી જાય છે અને ચેપ અટકે છે. વરસાદ થંભી ગયા બાદ થોડો સમય આકાશ સ્વચ્છ રહેતા તડકો પડ્યો હતો જેથી ચેપનો ફેલાવો ધીમો પડ્યો છે.
નપાના ચોપડે એક માસમાં કંજંક્ટિવાઈટિસના આશરે 19000 કેસ આવ્યા છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના વધુ બે કેસ નોંધાયા છે. વરસાદને થંભી ગયાને 15 દિવસ વિત્યા છે અને આ સમય મચ્છરોના બ્રીડિંગ માટે પૂરતો છે. આવતા સપ્તાહમાં ફરી વરસાદ પડે તેવી શક્યતા છે અને તે વરસાદ બાદ ફરીથી મચ્છરોનું બ્રીડિંગ વધશે તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી શકે છે. જેને લઈને તંત્ર પોરાનાશક કામગીરી, ફોગિંગ, ચેકિંગ સહિતની કામગીરીમાં લાગી ગયું છે.