કોલકાતાથી આશરે 35 કિ.મી. દૂર બજબજ નજીક બાવલી ગામ છે. અહીં 350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે કડક નિયમો છે. અહીં તેમણે દર્શન કરવા શાકાહારી હોવું પણ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત મંદિરમાં મૂર્તિને સ્પર્શવા પર પણ પ્રતિબંધ છે. આ ગુપ્ત વૃંદાવન ધામ તરીકે પણ ઓળખાય છે. પાંચ એકરમાં ફેલાયેલા આ ધામમાં પાંચ મંદિર છે, જેનો હાલ જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.
એવું કહેવાય છે કે, આ મંદિરોનું નિર્માણ ભલે બાવલીના મંડળ જમીનદારો કરાવી રહ્યા છે, પરંતુ તેના મૂળિયા ઉત્તર પ્રદેશમાં છે. આ મંદિરના નિર્માણ, નામકરણ અને નિયમોને લઈને સમિતિના સભ્ય દીવાકર કોલે અનેક રસપ્રદ માહિતી આપતા કહ્યું છે કે, માયાપુર ઈસ્કોન મંદિર અને ગૌડીય મઠની જેમ આ મંદિરમાં કડક નિયમો છે. જો પુરુષ પૂજા કરવા ઈચ્છે છે તો વૈષ્ણવ ધર્મના મતે તિલક, ગળામાં ત્રણ વળાંક ધરાવતી તુલસી માળા જરૂરી છે, જ્યારે મહિલાઓ માટે પણ તિલક અને ગળામાં ફક્ત તુલસીની માળા પૂરતી છે.
ચૈતન્ય મહાપ્રભુ આવ્યા પછી કાયાપલટઃ કોલેએ માહિતી આપી કે, બાવલી મંડળ જમીનદારો શિવભક્ત હતા, પરંતુ સદીઓ પહેલા ચૈતન્ય મહાપ્રભુ અહીં આવ્યા હતા. હકીકતમાં નદિયાના જમીનદાર ગૌર મોહન દાસ સાથે ચૈતન્ય પ્રભુ પગપાળા ભ્રમણ કરતા હતા. તેઓ બાવલી આવ્યા ત્યારે તેમણે મંડળ જમીનદારના મનમાં વૈષ્ણવ ધર્મ પ્રત્યે આસ્થા જગાડી. પછી તેઓ વૈષ્ણવ ધર્મના ઉપાસક થઈ ગયા. આ જમીનદારોએ કૃષ્ણના 108 નામ પર મંદિર બનાવવાનું પ્રણ લીધું. તે અંતર્ગત જ બાવલીમાં 17 મંદિર બન્યા. હાલ અહીં પાંચ જ મંદિર સારી સ્થિતિમાં છે. બાકી રાધાવલ્લભ, રાધાગોપીનાથ, રાધાગોવિંદ, ગોપાલજી અને જગન્નાથ અને બલરામ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે.