રાજકોટની ભાગોળે ટૂ વ્હિલ સ્લિપ થવાથી વૃદ્ધ ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે તેમની પાછળ બેઠેલા બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. માલિયાસણના રાધાનગરમાં રહેતા મહોબતસિંહ નટુભા ચાવડા નામના યુવાને પોલીસને જણાવેલી વિગત મુજબ, શનિવારે સાંજે પિતા નટુભા તેમનું ટૂ વ્હિલ લઇ પોતાનો પુત્ર વિરાજ અને નાના ભાઇની દીકરી અપેક્ષાને સ્કૂલે તેડવા ગયા હતા. બંને બાળકોને લઇ પિતા સ્કૂટર પર પરત ઘરે આવી રહ્યાં હતા.
ત્યારે માલિયાસણ પાસે રોડની કિનારી પર સ્કૂટરનું વ્હિલ આવતા સ્લિપ થઇ ગયું હતું. જેને કારણે પિતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા. બનાવ બનતા અમારા ગામના અને હાઇવે પર ડેરી ધરાવતા જીવણભાઇ ઘરે આવી પિતાને અકસ્માત નડ્યાની જાણ કરી હતી. જેથી પોતે નાના ભાઇ સાથે તુરંત સ્થળ પર દોડી ગયા હતા. પિતા રોડ પર બેભાન હાલતમાં પડ્યા હતા. જ્યારે બંને બાળકોને કોઇ ઇજા થઇ ન હતી. પિતાને આંખના ભાગે ઇજા થઇ હોય કારમાં સુવડાવી તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.