બ્રાઝિલમાં બીજી ઓક્ટોબરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. લગભગ તમામ સરવેમાં વર્તમાન રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો હરીફ લુઈઝ લૂલા સામે પરાજય નક્કી મનાઈ રહ્યો છે. જોકે બોલ્સોનારોનાં અનેક નિવેદનોએ બ્રાઝિલિયન લોકોની ચિંતા વધારી દીધી છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તે પરિણામો ત્યારે જ સ્વીકારશે જ્યારે તે સાચાં અને પારદર્શક હશે.
તેમણે બ્રાઝિલની બંધારણીય સંસ્થાઓ સહિત ચૂંટણી પંચ પર ગેરરીતિનો પણ આરોપ મૂકતા કહ્યું કે સંપૂર્ણ તંત્ર મને ચૂંટણીમાં પરાજિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.બોલ્સોનારો પાસે તેમના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા નથી પણ તેમના સમર્થકો એ વાત પર ભરોસો કરી અત્યારથી ઉગ્ર થઈ ગયા છે. અનેક નિષ્ણાતો બોલ્સોનારોને ટ્રમ્પ સાથે સાંકળીને જોઇ રહ્યા છે. તેઓ માને છે કે ટ્રમ્પના ચૂંટણી હાર્યા બાદ જે રીતે તેમના સમર્થકોએ કેપિટલ પર કબજો કરી લીધો હતો તે રીતે કાં તેનાથી બદતર સ્થિતિ બ્રાઝિલમાં સર્જાઈ શકે છે.
લૂલા જીતશે તો બ્રાઝિલમાં ચર્ચ બંધ થઈ જશે : બોલ્સોનારો
બોલ્સોનારોનું પ્રચાર અભિયાન પણ ટ્રમ્પ જેવું જ છે. તે પણ તેમની રેલીઓમાં કહી રહ્યા છે કે જો તેમના હરીફ કમ્યુનિસ્ટ નેતા લૂલા જીતશે તો ચર્ચ બંધ કરી દેશે, દેશ નાર્કો રાજ્યમાં બદલાઈ જશે, એલજીબીટીક્યૂના અધિકારો છીનવાઈ જશે. બોલ્સોનારોએ તેમના દીકરા એડુવાર્ડોને સરકારમાં નિમણૂક આપી છે. તેમનો દીકરો રાષ્ટ્રપતિનો સલાહકાર પણ છે. એડુવાર્ડોએ પણ કેપિટલ પર હુમલો કરનારા રમખાણકારોની જાહેરમાં પ્રશંસા કરી હતી. બોલ્સોનારો ટ્રમ્પના પરાજય અને બાઈડેનના વિજયને સ્વીકારનારા વિશ્વના છેલ્લા નેતાઓમાં સામેલ હતા.