મુંબઈમાં JSW ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (MD) સજ્જન જિંદાલ વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મહિલા વ્યવસાયે ડોક્ટર છે. મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376, 354 અને 503 હેઠળ જિંદાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ મામલો 24 જાન્યુઆરી, 2022નો છે, જેના સંબંધમાં મહિલાએ ફેબ્રુઆરી 2022માં પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ત્યારે કેસ નોંધ્યો ન હતો. 5 ડિસેમ્બર 23ના રોજ મહિલાએ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી, ત્યારબાદ કોર્ટના આદેશ પર પોલીસે 13 ડિસેમ્બર 23ના રોજ એફઆઈઆર નોંધી હતી.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ કરનાર મહિલાએ CNBC-TV18ને જણાવ્યું કે તે 8 ઓક્ટોબર 2021ના રોજ દુબઈમાં પહેલીવાર સજ્જન જિંદાલને મળી હતી. આ પછી, બંને ઓક્ટોબર 2021થી જાન્યુઆરી 2022 સુધી ઘણી વખત મળ્યા. આ દરમિયાન જિંદાલે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાએ વધુમાં જણાવ્યું કે 24 જાન્યુઆરીએ તે પેન્ટહાઉસમાં સ્થિત જિંદાલની ઓફિસ પહોંચી જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો. FIR મુજબ, મહિલાએ આ ફરિયાદ સાથે 16 ફેબ્રુઆરી 2022ના રોજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે ત્યાં કેસ નોંધ્યો ન હતો.
પોલીસે FIRમાં વિલંબના આરોપોને નકારી કાઢ્યા હતા
મુંબઈ પોલીસે FIR નોંધવામાં વિલંબના મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે મામલો થાળે પાડવા માટે તેમના પર પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું.