જર્મની ભારત સાથે આર્થિક અને રાજકીય રીતે સંબંધોને વધુ મજબૂત કરવા માટે રસ ધરાવે છે. ખાસ કરીને ચીનને લઇને જર્મની ભારતની સાથે સંબંધ મજબૂત કરવા માટે ઇચ્છુક છે. બંને દેશો ચીન સાથે સંબંધિત મુદ્દા પર વાતચીત કરવા માટે વિચારી રહ્યા છે. હાલમાં ચીન દુનિયાના દેશોમાં અલગ પડી જતા અન્ય દેશો નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જર્મની દ્વારા નવા ભાગીદારની શોધ કરાઇ રહી છે. જર્મનીના એશિયા-પ્રશાંતના ડાયરેક્ટર જનરલ પેટ્રા સિગ્મંડની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતની યાત્રાની સાથે વાર્ષિક મંત્રણાની શરૂઆત થવાના સંકેત મળવા લાગ્યા હતા. એ વખતે ચીનની વિદેશનીતિ પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી.
ચીન-તાઇવાન સંઘર્ષમાં તટસ્થ રહીશું નહીં- જર્મની
જર્મનીના વિદેશમંત્રી બેયરબોક ગુરુવારે ચીન પહોંચ્યા હતા. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે ચીન-તાઇવાન વચ્ચે સંઘર્ષ થવાની સ્થિતિમાં જર્મની અને યુરોપિયન યુનિયન તટસ્થ રહેશે નહીં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોંના નિવેદન અંગે જર્મનીએ અસહમતિ દર્શાવી છે. મેક્રોંએ ચીનની યાત્રા બાદ યુરોપને તાઇવાન મામલે અમેરિકાથી અલગ નીતિ પર ચાલવા માટે અપીલ કરી હતી.