વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે, 17 ઓક્ટોબરના રોજ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે બેઠક યોજી હતી. જેમાં 21 ઓક્ટોબરે ભારતના પ્રથમ હ્યુમન સ્પેસ ફ્લાઈટ મિશન 'ગગનયાન'ના ક્રૂ એસ્કેપ સિસ્ટમના ટેસ્ટિંગની તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી.
PMOએ કહ્યું કે ભારતની પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન 2025માં થવાની સંભાવના છે. બેઠકમાં વડાપ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે આપણે 2035 સુધીમાં આપણું સ્પેસ સ્ટેશન બનાવવાની અને 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની યોજના પર કામ કરવું જોઈએ. પીએમએ વિનસ ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર પર પણ કામ કરવાનું કહ્યું હતું.
ISRO 21 ઓક્ટોબરે સવારે 7 થી 9 વચ્ચે મિશન 'ગગનયાન'ની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. સરળ ભાષામાં કહીએ તો મિશન દરમિયાન રોકેટમાં કોઈ ખામી સર્જાય તો અવકાશયાત્રીને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવનારી સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
ગગનયાન મિશનનું ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ફ્લાઇટમાં ત્રણ ભાગો હશે - એબોર્ટ મિશન માટે બનાવેલ સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ, ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ. ક્રૂ મોડ્યુલની અંદરનું વાતાવરણ મેન્ડ મિશનમાં જેવું હશે નહીં.