લોધિકામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુનો ત્રાસ હતો લોકો સતત ભયના માહોલમાં હતા ત્યારે લોધિકાની નવ નિયુક્ત ગ્રામ પંચાયત ટીમે રખડતા પશુઓના ત્રાસથી ગ્રામજનોને છૂટકારો અપાવતા પંચાયતની સરાહનીય કામગીરીથી લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગામમાં 65 જેટલા આખલાઓ આમથી તેમ રખડતા હોઇ લોકો સતત ભયમાં જ પસાર થતા હતા.
અત્રે નોંધનીય છે કે લોધીકામાં રખડતા ઢોરનો ત્રાસ ઘણા લાંબા સમયથી હતો. ગામના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં આખલાઓ આડેધડ બેસી ટ્રાફિકના પ્રશ્નો સર્જતા હતા આ ઉપરાંત અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હતો. ગામના મુખ્ય વિસ્તારો જેવા કે રામજી મંદિર ચોક, ખોડીયાર ચોક, બસ સ્ટેન્ડ, સ્કૂલ વિસ્તાર વગેરે માર્ગો પર આખો દિવસ ઢોર અડીંગો જમાવી બેસી રહેતા જેને કારણે કેટલાક લોકો આખલાની અડફેટે ચડીને ઘાયલ પણ થતા હતા.