શહેરના સમા-સાવલી રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં જન્મદિનની ઉજવણીમાં દારૂની મહેફિલ અને ડાન્સરો ઠૂમકા લગાવતી હોવાનો મેસેજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળતાં પોલીસ દોડતી થઈ હતી. આ ડાન્સ પાર્ટીમાં બે મોટા ગુનેગારો પણ હોવાનો સંદેશો હતો. પોલીસ ત્યાં પહોંચી ત્યારે ગુનેગારો હાજર હોવા છતાં ચકમો આપી આયોજક સહિત ભાગવામાં સફળ રહ્યા હોવાની માહિતી બહાર આવી છે. જોકે સમા પોલીસ મથકના પીઆઈ મનીષ રાઠોડે પાર્ટી પ્લોટના માલિક ડાન્સ પાર્ટીના આયોજક સહિત હાજર ગુનેગારોને બોલાવી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હરણી- વારસિયા રિંગ રોડ પર રહેતા અને નાણાં ધીરધારનો મોટો વ્યવસાય કરતા અરવિંદ ઉર્ફે લાલાના જન્મદિવસની પાર્ટીનું આયોજન ગઈ કાલે સોમવારે રાત્રે અવસર પાર્ટી પ્લોટ ખાતે કરાયું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો અને પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.