શહેરના ભાનુશાલીનગરમાં આવેલા સપના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી એક મહિલાની વર્તણુક શંકાસ્પદ હોવાની અરજી સ્થાનીકો દ્વારા કરવામાં આવી હતી.જેની તપાસ માટે ગયેલી ટીમના મહિલા કોન્સ્ટેબલ સાથે આ સ્ત્રીએ ધોલ-ધપાટ કરી એસઓજીના અન્ય પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકીઓ આપતા ભારે ચકચાર મચી ગઇ હતી.આ બનાવ સંદર્ભે સર્વગ્રાહી તપાસ શરૂ કરવામાં આવી છે.
નોટીસમાં સહી કરવાનો ઈન્કાર કરીને નાસી જવા પ્રયાસ કર્યો
કચ્છ સરહદી જિલ્લો છે અને અહીં રહેતી પરપ્રાંતીય સ્ત્રીના બંને પગ બરાબર હોવા છતાં તે ઘોડી લઈને ચાલે છે તેની વર્તણુક શંકાસ્પદ હોવાની માહિતી સાથે ભુજ એસઓજીમાં અરજી કરવામાં આવી હતી.જે અરજી અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગૃપએ તપાસ શરૂ કરી હતી. આ મહિલાને પૂછપરછ માટે એસઓજી કચેરી બોલાવાઈ હતી પણ તે આવી નહોતી. દરમિયાન મહિલા વીડી હાઈસ્કુલ પાસે હોતા તેને એસઓજી કચેરીએ આવવા જણાવાયું પણ તે ન આવી અને મકાનમાલિક સાથે ઝગડો કર્યો હતો આ દરમ્યાન એસઓજીની ટૂકડી જોડે ગેરવર્તાવ કરી જવાબ લખાવવા માટે આપેલી નોટીસમાં સહી કરવાનો ઈન્કાર કરીને નાસી જવા પ્રયાસ કર્યો હતો.
તપાસમાં સહકાર આપવાના બદલે ધમાલ મચાવી
જોકે બાદમાં તેને જીપમાં બેસાડી કચેરીએ લઈ અવાઈ પણ અહીં તપાસમાં સહકાર આપવાના બદલે ધમાલ મચાવી હતી. મહિલાએ પોતાનું નામ નબીના શ્રીઆમલેન્દુ નાગ હોવાનું, ઊંમર 50 વર્ષ અને પોતે અમદાવાદના થલતેજના વિનસ એપાર્ટમેન્ટમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.નબીનાની શંકાસ્પદ વર્તણૂંક જોઈને એસઓજીની ટીમ પીઆઇની હાજરીમાં ભાનુશાલીનગરના ઘરે જડતી લેવા ગઈ ત્યારે મકાનને બે તાળા મારેલા હતા. નબીનાએ તાળા ખોલવાનો ઈન્કાર કરી ફરી જબરજસ્તી કરી હતી. પોલીસ કર્મચારીઓએ તેના ગેરવર્તાવનું મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.