પૈસા કામવવાની લલચમાં ઘણા લોકો હજારો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે હળવદમાં કેમિકલયુક્ત વરિયાળીને ઊંચા ભાવે વેચવાના કારસ્તાનનો એલસીબી ટીમે પર્દાફાશ કર્યો છે. હળવદની અવધ ઇન્ડસ્ટ્રિઝમાં વંદના એન્ટરપ્રાઇઝમાં પોલીસે દરોડો પાડીને કેમિકલયુક્ત વરિયાળી સાથે કુલ રૂ.1,12,82,150ના જથ્થા સાથે માસ્ટર માઇન્ડ યુપીના શખ્સને પકડી લીધો હતો.
કેમિકલવાળી વરિયાળી માનવી માટે જોખમી બની જાય તેવી
સામાન્ય રીતે ઉનાળામાં લોકો વરિયાળીનો ઉપયોગ ગરીમીથી રક્ષણ માટે કરતા હોય છે ત્યારે હળવદમાંથી પકડાયેલી કેમિકલવાળી વરિયાળી માનવી માટે જોખમી બની જાય તેવી છે. સામાન્ય રીતે ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ખાદ્યપદાર્થોમાં થતી ગેરરીતિ અંગે ચેકિંગ કરવાનું હોય છે.
પરંતુ આ ઘટનામાં તેની નિષ્કાળજી દેખાઇ રહી છે. પોલીસની શાખાએ પોલ ખોલી તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લીધી હતી. ઝાલાવાડમાં વરિયાળીનું વાવેતર વધતું જાય છે ત્યારે ખરાબ વરિયાળીને કેમીકલની મદદથી સારી બનાવીને વેચવાનો ગોરખ ધંધો હળવદની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતો હોવાની મોરબી એલસીબીની ટીમને હકીકત મળી હતી.આથી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શનથી એલસીબીની ટીમે અવધ ઇન્ડસ્ટ્રીઝમાં વંદના એન્ટરપ્રાઇઝના નામે ચાલતા કારખાનામાં બુધવારે દરોડો પાડયો હતો.
જયાથી સાદી અને કેમિકલયુકત વરિયાળી તથા કેમિકલ સહિત અંદાજે રૂ. 1.12 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ફેકટરીના માલિક જે મુળ એમપીના ગાજીયાબાદનો વતની છે અને હાલ હળવદ વસંતપાર્ક સોસાયટીમાં રહેતો 36 વર્ષનો હિતેશ મુકેશજી અગ્રવાલને પણ પકડી લીધો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી વરિયાળીની સિઝનમાં આવીને ગોરખ ધંધો ચલાવતો હતો.આ સિઝનમાં તા.12 એપ્રિલથી તેણે વરિયાળી ખરીદી કરીને તેમાં કેમિકલ ભેળવવાની શરૂઆત કરી દીધી હતી.આરોપી વરિયાળીમાં કયુ કેમિકલ ભેળવતો હતો અને તેની માનવ જીંદગી ઉપર શું અસર થાય તેવી વિગતો મેળવવા માટે એફએસએલ અને ફૂડ વિભાગની મદદ લઇને સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.આરોપી કેમિકલ વાળી વરિયાળી ઉંજાના બજારની સાથે રાજયના અન્ય શહેરોમાં પણ વેચતો હતો.તમામ મુદામાલ સીઝ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.