ભારતીય અર્થતંત્રની મજબૂતીમાં સરકારી કંપનીઓનો પણ ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે. દેશમાં સરકારી કંપનીઓનો ઝડપી ગ્રોથ થઇ રહ્યો છે. ફોર્ચ્યુન ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ફોર્ચ્યુન 500 ઈન્ડિયાની યાદીમાં સામેલ 68 સરકારી કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24માં કુલ 56.14 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. જે નાણાકીય વર્ષ 2023ની 53.79 લાખ કરોડની આવક કરતાં 4.37% વધુ છે. ગયા નાણાકીય વર્ષમાં આ 68 સરકારી કંપનીઓનો સંયુક્ત નફો 40% વધીને રૂ. 5.03 લાખ કરોડ થયો હતો.
ફોર્ચ્યુન 500 ઈન્ડિયાની 2023ની યાદીમાં બીજાક્રમથી છઠ્ઠા નંબર સુધીની ટોચની 10 કંપનીઓમાંથી અડધી સરકારી કંપનીઓ છે. રિપોર્ટ અનુસાર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સરકારે સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપ્યું હતું. આનાથી જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)માં જીવ આવ્યો. ત્યારબાદ સરકારના મૂડીખર્ચમાં થયેલા જંગી વધારાથી રેલવે સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારી કંપનીઓને ફાયદો થયો છે. આગામી સમયમાં પણ સરકારી કંપનીઓનો દેખાવ મજબૂત રહેશે તેવા સંકેતો એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.