ભાજપ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે. તે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાનું તેના ચૂંટણીઢંઢેરામાં વચન આપશે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પોતાની તરફેણમાં માહોલ બનાવવા પક્ષના દિગ્ગજ નેતાઓના જમ્મુ-કાશ્મીરના પ્રવાસનો કાર્યક્રમ પણ ઘડી રહ્યો છે.
પક્ષના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં 2-3 મહિનામાં ચૂંટણી જાહેર થઇ શકે છે. ભાજપ તે હિસાબે જ તૈયારી કરી રહ્યો છે. આ ચૂંટણી માટે ભાજપનો ચૂંટણીઢંઢરો તૈયાર કરાઇ રહ્યો છે, જેમાં સૌથી મોટું વચન સરકાર બન્યાના 90 દિવસમાં જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવાનું હશે. જોકે, લદાખ કેન્દ્રશાસિત જ રહેશે.
સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ મુદ્દે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક થઇ હતી, જેમાં નક્કી કરાયું કે ચૂંટણીમાં ભાજપ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપશે. કોંગ્રેસ છોડી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો અપાવવાનું વચન આપી શકે તેમ નથી. આ કામ માત્ર કેન્દ્ર સરકાર કરી શકે છે. આઝાદની આ ટિપ્પણીથી એવો મેસેજ ગયાનું મનાય છે કે રાજ્યનો દરજ્જો ભાજપ જ બહાલ કરી શકે છે. એવામાં ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાની શક્યતા જોવાઇ રહી છે.