રિઝર્વ બેંકે 2000ની નોટ અંગે બહાર પાડેલા નોટિફિકેશન બાદ મંગળવારથી બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટ શહેરમાં પણ જુદી જુદી બેંકમાં મંગળવારે સવારથી જ લોકો 2000ની નોટ વટાવવા માટે પહોંચ્યા હતા. આખા દિવસ દરમિયાન આશરે 5 હજાર લોકોએ 2000ની નોટ બેંકમાં જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે અને રાજકોટમાં નોટ બદલવાના પહેલાં જ દિવસે રૂ.10 કરોડની નોટ બેંકોમાં જમા થઇ છે. 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકોએ શરૂઆત કરી છે. નોટ બદલવાની શરૂઆત થતાં સવારે બેંક શરૂ થતાં જ લોકોની અવરજવર શરૂ થઈ હતી.
બેંકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેવી રીતે લોકો 2000ની નોટ બદલવા આવી રહ્યા છે તેની સામે પૈસા પરત આપવા બેંકને 500ની નોટ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. હાલ બેંકોમાં 500ની જગ્યાએ 100 અને 200ની નોટ આપવામાં આવી રહી છે. હજુ આગામી દિવસોમાં 2000ની નોટ બદલવા આવનાર લોકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે.