વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ, આજે સપ્તાહના બીજા દિવસે બે તરફી અફડાતફડીના અંતે નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના અને હમાસને 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેક્શનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી.
ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિના મજબૂત આંકડાએ યુ.એસ. બોન્ડ યીલ્ડમાં પણ ઝડપી ઉછાળા સાથે ફુગાવો વધવાના જોખમે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અનિશ્ચિતતા સર્જતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મુલ્યમાં સતત થઇ રહેલો ઘટાડો આજે પણ યથાવત રહ્યો હતો અને રૂપિયો નવી નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાતા ભાવ પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા.