રાજકોટમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. સવારના 7થી 8 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 8થી 9 વાગ્યા સુધીમાં વધુ 5 MM વરસાદ વરસ્યો હતો. હાલ પણ ધીમી ધારે ઝાપટા વરસી રહ્યા છે. આથી પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટની જીવાદોરી આજીડેમ 18મી વખત ઓવરફ્લો થતા પાણીનું સંકટ દૂર થયું છે. આજીડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ ડેમ 1957માં બનાવવામાં આવ્યો હતો. આથી 71 વર્ષમાં આજે 18મી વખત ઓવરફ્લો થયો છે.