કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટી જતાં 21 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. કેરળના ખેલ મંત્રી વી અબ્દુર્રહમાને વિવિધ હોસ્પિટલોમાંથી મળેલી માહિતીના આધારે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. 4 લોકોને ગંભીર હાલતમાં કોટ્ટક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના કયા કારણોસર બની તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતા. જેના કારણે આવી ઘટના બની છે.
બોટ કિનારે લવાઈ, બચાવ કામગીરી ચાલુ
આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગે મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં તુવાલાથીરામ બીચ નજીક બની હતી. બોટને કિનારે લાવવામાં આવી છે. ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું હતું કે બોટમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. આવી સ્થિતિમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.