દક્ષિણ કોરિયામાં શુક્રવારે એશિયાના એરલાઈન્સની ફ્લાઈટમાં હાજર એક મુસાફરે વિમાનનો દરવાજો ખોલ્યો હતો. ફ્લાઇટને લેન્ડ થવામાં માત્ર 2 મિનિટ બાકી હતી, ત્યારે જ પેસેન્જરે ઇમરજન્સી દરવાજો ખોલી નાંખ્યો હતો. તે સમયે વિમાન 700 ફૂટની ઉંચાઈ પર હતું. દરવાજો ખોલનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
CNNના રિપોર્ટ અનુસાર, પ્લેનમાં 6 ક્રૂ-મેમ્બર અને 194 મુસાફરો સવાર હતા. આ દરમિયાન 12 મુસાફરો ઘાયલ થયા હતા. નજરેજોનાર એક વ્યક્તિએ કહ્યું- અચાનક એવું લાગ્યું કે પ્લેનમાં વિસ્ફોટ થવાનો છે. દરવાજા પાસે બેઠેલા મુસાફરો બેભાન થવા લાગ્યા. કંઈ સમજી શક્યા નહીં. ફ્લાઈટમાં બાળકો પણ હતા. તેઓ રડી રહ્યા હતા. કેટલાક લોકો ભયથી ધ્રૂજી રહ્યા હતા.
અન્ય એક મુસાફરે કહ્યું- એક વ્યક્તિએ ફ્લાઈટનો દરવાજો ખોલ્યો. તે ફ્લાઈટમાંથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે, પોલીસે કહ્યું - અમે આ કેસમાં એક મુસાફરની ધરપકડ કરી છે. તેની પૂછપરછ ચાલુ છે. તેણે દારૂ પીધો ન હતો. જો કે, તેણે આવું શા માટે કર્યું તેનું કારણ જાણી શકાયું નથી.
એરબસ A321-200ની OZ8124 ફ્લાઇટ જેજુ ટાપુથી ડેગુ શહેર માટે ભારતીય સમય મુજબ સવારે 9:15 વાગ્યે ઉડાન ભરી હતી. એક કલાક પછી પેસેન્જરે દરવાજો ખોલ્યો. આ પછી મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. લેન્ડિંગ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.