જોખમ ખેડીને વીજલાઈન ઉપર કામ કરતાં વીજકર્મચારીઓ માટે હવે એક નવી આશાની કિરણ દેખાઈ રહી છે. પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ (PGVCL) તરફથી લાઈન પર કામ કરતી વખતે કર્મચારીઓની સુરક્ષા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. કંપની હવે પોતાના લાઈન સ્ટાફ માટે આશરે રૂ.60 લાખના ખર્ચે 5500 જેટલા ખાસ ‘હાઈટેક સેફ્ટી હેલ્મેટ’ ખરીદશે, જેમાં ઇલેક્ટ્રિક કરંટની હાજરી જણાતા તરત એલર્ટ સિસ્ટમ કાર્યરત થાય છે. નવી પહેલથી અકસ્માતની સંખ્યા ઘટશે અને કર્મચારી સુરક્ષિત રહેશે. આ એક હેલ્મેટની કિંમત આશરે રૂ.1100 જેટલી થતી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક વખત લાઈન પર કામ કરતી વખતે રિવર્સ પાવર આવવાથી કે અચાનક લાઈન ચાલુ થઇ જવાથી કરંટ લાગતાં અનેક વીજકર્મચારીના અવસાન થયા છે. પ્રથમ તબક્કામાં આ હેલ્મેટોની ખરીદી બાદ સમગ્ર PGVCL વિસ્તારમાં તેનો અમલ કરવામાં આવશે. કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે કે કેવી રીતે આ હેલ્મેટ ઉપયોગ કરવો અને એલર્ટ મળતાં શું પગલાં લેવા. આ હેલ્મેટ માત્ર સાધન નથી, પરંતુ લાઈન સ્ટાફના જીવના રક્ષકરૂપે સાબિત થઈ શકે છે. PGVCLની આ પહેલ બીજી વીજ વિતરણ કંપનીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
આ હેલ્મેટમાં એક ખાસ સેન્સર અને એલર્ટ સિસ્ટમ જોડવામાં આવી છે. લાઈનમાં વીજપ્રવાહ હોવાની સ્થિતિમાં હેલ્મેટની લાલ એલઈડી લાઈટ તત્કાળ ચમકવા લાગે છે અને સાથે જ બઝર વાગે છે. આ અલાર્મથી લાઈન સ્ટાફને તરત જ સતર્કતા મળશે કે લાઈનમાં પાવર ચાલુ છે અને તેઓ તરત પાછા વળી શકે છે.