શહેરના નવા દોઢસો ફૂટ રિંગ રોડ, અર્જુન પાર્ટી પ્લોટમાં નિવૃત્ત શિક્ષકના પુત્રના રિસેપ્શનમાં મહેમાનના સ્વાંગમાં આવેલી છોકરી રૂ.3.82 લાખની મતાનો થેલો તફડાવી ગઇ છે.એરપોર્ટ રોડ, ગ્રીનપાર્ક-2માં રહેતા નિવૃત્ત શિક્ષક વિલાસગીરી હેમગીરી ગોસ્વામીની ફરિયાદ મુજબ, મોટા પુત્રના લગ્ન બાદ તા.20ના નવા દોઢસો ફૂટ રિંગ રોડ, અર્જુન પાર્ટી પ્લોટમાં રિસેપ્શન રાખ્યું હતું. રિસેપ્શન પોણા નવ વાગ્યે ચાલુ થતા બધા સ્ટેજ પર ઊભા રહ્યા હતા. પ્રસંગમાં હાજરી આપનાર મહેમાનોની ભેટ તેમજ રોકડ રકમના કવર પત્ની એક થેલામાં રાખતા હતા.
પત્નીએ રોકડ, ભેટનો થેલો સોફાની બાજુમાં રાખ્યો હતો. સવા દશ વાગ્યાના અરસામાં મહેમાનોને સ્ટેજ પર આવકારતા હતા. ત્યારે પાડોશી ભરતભાઇ વાઘેલા પોતાની પાસે આવી સોફા પાસે રાખેલો થેલો એક છોકરી ઉઠાવીને ભાગી છે, હું પાછળ પણ દોડ્યો પરંતુ તે ભાગી ગયાની વાત કરી હતી. વાત સાંભળતાં જ થેલો ચેક કરતા તે જોવા મળ્યો ન હતો.
બાદમાં સગાં સંબંધીઓ પાર્ટી પ્લોટ આસપાસ થેલો લઇને ભાગેલી છોકરીની શોધખોળ કરી હતી, પરંતુ કોઇ ભાળ નહિ મળતાં પોલીસને જાણ કરી હતી. થેલામાં મોબાઇલ ઉપરાંત ભેટમાં આવેલા સોનાના ઘરેણાં, કવરમાં આવેલા અંદાજિત 80 હજાર, રૂ.20ની ચલણી નોટનું એક બંડલ મળી કુલ રૂ.3.82 લાખની મતા હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઇ ડી.એમ.હરિપરા સહિતના સ્ટાફે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.