‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન દેશવિરોધી અને ધાર્મિક આસ્થા ભડકાવી શકે તેવા કન્ટેન્ટ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવનારા લોકો પર ગુજરાત પોલીસે સ્ટ્રાઇક શરૂ કરી છે. ગુજરાત પોલીસના CID સાયબર સેલ, ATS અને અલગ અલગ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર સર્વેલન્સ ગોઠવાયું હતું, જેમાં CID સાયબર સેલે આર્મીના ઓપરેશન દરમિયાન 110 આવી પ્રોફાઇલ બ્લોક કરી છે. એટલું જ નહીં, ઓપરેશન દરમિયાન યુટ્યૂબના માધ્યમથી ખોટા ન્યૂઝ ફેલાવનારા 50થી વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચારેક વર્ષમાં રાજ્યના સાયબર સેલે 77 હજારથી વધુ બોગસ આઇડી બ્લોક કર્યાં છે . આ આઇડી લોકો સાથે ફ્રોડ કરવા માટે વપરાતાં હતાં. સીઆઇડીના એસપી ધર્મેન્દ્ર શર્માનું કહેવું છે કે ઓપરેશન દરમિયાન અમારા વિભાગ દ્વારા સોશિયલ સર્વેલન્સને વધુ મજબૂત કરવામાં આવ્યું હતું. ફેક ન્યૂઝ, દેશ વિરોધી દુષ્પ્રચાર સાથે ધાર્મિક લાગણીઓ ભડકાવાના પ્રયાસ જેવા કન્ટેન્ટને ફિલ્ટર કરી તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાં તપાસના અંતે ચાલુ મહિને જ 110થી વધુ આવી પ્રોફાઇલ બ્લોક કરીને તેના ઓપરેટરની તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે યુટ્યૂબ પર ન્યૂઝ ચેનલના નામે ખોટા ન્યૂઝ ફેલાવનારા રાજ્યભરના 50 લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
સીઆઇડી ક્રાઇમના સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માનું કહેવું છે કે અમે હવે બૅન્ક એકાઉન્ટ ભાડે આપનારા લોકો પર સ્ટ્રાઇક કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યવાહી કરવા માટે અમે સંખ્યાબંધ લોકોની ઓળખ કરી લીધી છે અને છેલ્લા સ્ટેજ પર તપાસ આવી ગઈ છે. ટૂંક સમયમાં આવા એકાઉન્ટ હોલ્ડર અને ઓપરેટર વિરુદ્ધ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે ભાડે લેવાયેલા એકાઉન્ટમાં માત્ર સટ્ટા કે ફ્રોડના રૂપિયા જ નહીં ક્યારેક દેશવિરોધીઓ હવાલાના રૂપિયાના ટ્રાન્જેક્શન પણ કરતા હોવાની વિગતો સામે આવી છે.