ગીર જંગલ સાવજોનું ઘર માનવામાં આવે છે, ગીર જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણી, સિંહ-દિપડાઓ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આવી જ એક ઘટનાના જંગલની બોર્ડરને અડી આવેલા ગીરગઢડાના ફરેડા ગામમાં બની હતી. રસ્તા વચ્ચે ડાલામથ્થાએ પશુનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યારે ત્યાં હાજર સ્થાનિકોએ આ ઘટના લાઇવ નિહાળી હતી અને પોતાના કેમેરામાં વીડિયો કેદ કર્યા હતા.
ગીરગઢડાના ફરેડા ગામે ધોળા દિવસે બસ સ્ટેશન નજીક એક ડાલામથ્થાએ ગાય ઉપર હુમલો કર્યો હતો. બાદમાં મારણની મિજબાની માણતા ગામ લોકો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તથા આજુબાજુની વાડી વિસ્તારનાં લોકો એકત્ર થઇ ગયા હતા. રસ્તા પર જ ડાલામથ્થાએ પશુનું મારણ કરતા રસ્તા પરથી લોકોની અવર જવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી અને લોકોએ આ મારણનો લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. ગાયના મારણ બાદ તેનાં વાછરડાનું પણ સિંહે મારણ કર્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો દૂરથી સિંહની જંગલ વિસ્તારમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ ગામ લોકો આ લાઇવ મિજબાનીની મજા માણતા જોવા મળ્યા હતા.