Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાન હાલમાં ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. અફઘાનિસ્તાન સાથે લાંબા સમયથી ચાલી રહેલા જળવિવાદને કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈરાનનો દાવો છે કે તાલિબાન હેલમંદ નદીમાં ઈરાનના જળઅધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ અંગે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ મે મહિનામાં જ તાલિબાનને ચેતવણી આપી હતી - કાં તો અફઘાનિસ્તાન પાણી-પુરવઠા કરારનું સન્માન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે.

આ ચેતવણીના એક સપ્તાહ બાદ ઈરાન અને તાલિબાન વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર થયો હતો. જેમાં બે ઈરાની ગાર્ડ અને એક તાલિબાનનું મોત થયું હતું. બંને દેશો વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ બાબતથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા અનુસાર તાલિબાન આ મામલે હટવા તૈયાર નથી. તેણે આ મામલે યુદ્ધની તૈયારી કરી લીધી છે. આ અંતર્ગત હજારો સૈનિકો અને સેંકડો આત્મઘાતી હુમલાખોર સરહદી વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સૈનિકો અને આત્મઘાતી હુમલાખોરોના મોરચા સાથે અમેરિકા દ્વારા છોડવામાં આવેલાં સેંકડો સૈન્ય વાહનો અને શસ્ત્રો સામેલ છે.

કેનેડા અને ફ્રાન્સના પૂર્વ અફઘાન રાજદૂત અને વોશિંગ્ટન સ્થિત થિન્ક-ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલ સાથે સંકળાયેલા ઉમર સમદે જણાવ્યું હતું કે, બંને પક્ષો પોતાને ન્યાયી ઠેરવવા માટે લડવાની તૈયારી કરી રહ્યા છે.

ઈરાનનો દાવો - ગયા વર્ષે અમારા હિસ્સાનું 4% પાણી મળ્યું
ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે 950 કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી અંગે 1973માં હેલમંદ નદી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. પરંતુ આ સંધિનો સંપૂર્ણ અમલ થયો નથી. ઈરાનની દલીલ છે કે તાલિબાને સત્તામાં પાછા ફર્યા બાદથી પાણીનો પુરવઠો અટકાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં ઈરાનના રાજદૂત હસન કઝેમી કૂમીએ કહ્યું હતું કે ઈરાનને ગયા વર્ષે તેના હિસ્સાનું માત્ર 4% પાણી મળ્યું છે. અફઘાનિસ્તાનમાં હેલમંદ નદીના કિનારે ડેમ, જળાશયો અને સિંચાઈ પ્રણાલીઓ બનાવવામાં આવી છે. તેથી પાણી આવતું નથી. અફઘાનિસ્તાનની દલીલ છે કે દેશની અંદર પાણીની અછતનો સામનો કરવા અને સિંચાઈની ક્ષમતા વધારવાનો તેનો અધિકાર છે.