યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિની શરૂઆત 1972 માં સમગ્ર વિશ્વમાં પ્રાચીનથી આધુનિક વિરાસત સમાન સ્થળોને ઓળખવા માટે કરવામાં આવી હતી. 16મી નવેમ્બરના તેની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. યુનેસ્કોએ આ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. કચ્છના ધોળાવીરાનો પણ વર્ષ 2021માં આ પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્ય પણ આ વિશ્વ વિરાસત સ્થળ બની શકે છે. કારણ કે ભારત સરકારે આ સ્થાનને 2006થી સંભવિત યાદીમાં રાખ્યું છે.
વિશ્વમાં યુનેસ્કોના 1154 જેટલી વિરાસત સ્થળો છે. જેમાં ભારતમાં 40 સ્થળો આવેલા છે. સૌથી છેલ્લે ભારતમાં ધોળાવીરા અને તેલંગાણાના રુદ્રેશ્વર મંદિરને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવીરાનું વિશ્વ વિરાસત સ્થળ બનવુ તે કચ્છ માટે આ એક મોટી સિદ્ધી હતી. ભારતમાં કોઇ પણ હડપ્પન શહેરનો આ યાદીમાં સમાવેશ થયો હોય તેમાં ધોળાવીરા પ્રથમ છે. પાકિસ્તાનમાં આવેલા હડપ્પન શહેર મોંહે જો દરો વિશ્વ વિરાસત સ્થળ છે. વિશ્વ વિરાસત સ્થળ બનવા માટે લાંબી પ્રક્રિયા છે. જમાં જેતે દેશ દ્રારા પ્રથમ યાદી આપવામાં આવે છે.
આ સ્થળને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે તેની વિગતો આપવી પડે છે. અને તેની જાળવણી માટે વ્યવસ્થાપન યોજનાની માહિતી પણ આપવાની હોય છે. ભારતમાં હાલ યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની સંભવિત યાદીમાં અંદાજે 49 સ્થળોનો સમાવેશ થાય છે. સરકારધારે તો કચ્છના અન્ય પણ કેટલાક એવા વિશિષ્ટ સ્થળો છે તે આ યાદીમાં સામેલ થવા જરૂરી માપદંડો ધરાવે છે.