અમેરિકન રાષ્ટ્રપતિ પદની રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતવંશી-અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીની ખ્રિસ્તી યુવાઓમાં લોકપ્રિયતા સતત વધી રહી છે. જે અમેરિકાના રૂઢિવાદી ખ્રિસ્તાઓને પસંદ નથી. રામાસ્વામી હિન્દુ વિચારધારાને લઇને ખૂબ જ સ્પષ્ટ વક્તા છે. તેઓ કહે છે કે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મમાં અનેક સમાનતાઓ છે.
રામાસ્વામી દ્વારા હિન્દુ અને ખ્રિસ્તી ધર્મની તુલનાથી કન્ઝર્વેટિવ ક્રિશ્ચિયન ખૂબ જ નારાજ છે. અગ્રણી ખ્રિસ્તી કાર્યકર એ.બી. જૉનસન કહે છે કે રામાસ્વામી પ્રભાવશાળી વ્યક્તિ છે, તેઓ સાચી વાત કરે છે, પરંતુ તે સાચી વ્યક્તિ નથી કારણ કે તેઓ હિન્દુ છે. તે યોગ્ય ઉમેદવાર નથી કારણ કે અમારા ભગવાનની મજાક ન ઉડાવી શકાય.
ટ્રમ્પ સમર્થકોને ઉપરાષ્ટ્રપતિ તરીકે રામાસ્વામી પસંદ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન ઉમેદવારોની રેસમાં સૌથી આગળ છે. તેમના સમર્થક રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર માને છે. તાજેતરમાં રામાસ્વામીની ડીબેટ જોનાર કેરેન શા કહે છે કે તેમની સૌથી સારી વાત એ છે કે તેઓ અર્થ વગરની વાત કરતા નથી. જ્યારે, જૉન મેડિસન કહે છે કે રામાસ્વામી ઉપરાષ્ટ્રપતિ માટે સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે.
લોકપ્રિયતા ઘટી તો ડિસેન્ટિસે મેનેજર બદલ્યા
કેપલેમ સ્ટ્રેટેજી અનુસાર રામાસ્વામી અને ડિસેન્ટિસને 12-12% મત મળે છે. વર્જિનિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર પૉલિટિક્સના માઇક કોલમેને કહ્યું કે રામાસ્વામી ડિસેન્ટિસના મતદારોને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે જ ડિસેન્ટિસે પોતાના કેમ્પેન મેનેજર જેનેરા પેકને હટાવીને જેમ્સ ઉથમેઇરને પ્રચારની જવાબદારી સોંપી છે.