નવી પેઢી અને વિદેશના લોકો ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું મહત્ત્વ સમજે તે માટે હિંદુત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદેશની ધરતી પર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા અયોધ્યાથી શરૂ થઈ છે અને વિશ્વના 101 દેશોમાં ફરશે. જ્યાં હિંદુ ધર્મની સસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 12 દેશમાં આ યાત્રા ફરી ચૂકી છે. 3 વર્ષ બાદ લંડન ખાતે ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે. કુલ 45 હજાર કિલોમીટરની રથયાત્રા છે.
આ અંગે વધુ માહિતી આપતા આયોજક જણાવે છે કે, અત્યારે સુધી યાત્રા સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, ભુતાન, બર્મા સહિત કુલ 12 દેશમાં ફરી ચૂકી છે. રાજકોટ-ભારતથી 15 લોકો જોડાયા છે. યાત્રા દરમિયાન ધાર્મિક ગ્રંથનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં જ્યાં જ્યાં ગયા ત્યાંથી પણ લોકોએ અમારી સાથે જોડાવવા માટેની તૈયારી બતાવી હતી. યાત્રા રોજનું 30થી 50 કિમીનું અંતર કાપી રહી છે. યાત્રા પૂર્ણ થયા બાદ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવવાની તૈયારી કરવામાં આવશે.
જોકે વિદેશની ધરતી પર આ રથયાત્રા પૂર્ણ કરવાનો સૌથી મોટો પડકાર ત્યાનું વાતાવરણ છે. જ્યાં ઠંડી, વરસાદ સૌથી વધુ હશે ત્યાં હોલ્ટ પણ કરવો પડી શકે છે. તેમજ ભોજનની કોઈ તકલીફ ન પડે એ માટે ભોજન તેમજ જરૂરી સામગ્રી સાથે લઈ જવામાં આવી છે. રાજકોટથી યાત્રા અયોધ્યા પહોંચી હતી અને ત્યાંથી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.