યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં આગામી 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 માટે લોગો અને માસ્કોટ જલવીર લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં SFIના મહાસચિવ મોનલ ચોક્સી, SFIના વરિષ્ઠ ઉપપ્રમુખ વીરેન્દ્ર નાણાવટી અને ઉપપ્રમુખ અનિલ વ્યાસ, રાજકુમાર ગુપ્તા, અનિલ ખત્રી હાજર રહ્યા હતા.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું 11મું સંસ્કરણ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન અમદાવાદમાં યોજાશે, અને મહત્વની બાબત એ છે કે, આ કાર્યક્રમ ભારતમાં પહેલીવાર યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ ઓલિમ્પિક ધોરણો અનુસાર બનેલ નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, જેમાં 30 થી વધુ દેશો વિવિધ રમતોમાં ભાગ લેશે.
આ પ્રસંગે, મનુખ માંડવિયાએ કહ્યું કે, "મને 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનો લોગો અને માસ્કોટ જલવીર લોન્ચ કરતા આનંદ થાય છે. આ ચેમ્પિયનશિપ ભારતીય સ્વિમિંગ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે આપણા ખેલાડીઓને એશિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે. હું સ્વિમિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા અને ગુજરાત સરકારને આ પ્રતિષ્ઠિત ઇવેન્ટને આપણા દેશમાં લાવવાના તેમના સંયુક્ત પ્રયાસો બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું."
'આ મહિનાના અંતમાં ચેમ્પિયનશિપ માટે 1000 થી વધુ સહભાગીઓ ગુજરાત આવવાની અપેક્ષા છે, આ શોકેસ ઇવેન્ટ ભારતીય તરવૈયાઓને ઘરઆંગણાના દર્શકો સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડશે.'