જર્મનીના રૂઢિચુસ્ત ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) પાર્ટીના નેતા ફ્રેડરિક મર્ટ્ઝ મંગળવારે જર્મનીના 10મા ચાન્સેલર તરીકે ચૂંટાયા. બીજા રાઉન્ડના મતદાનમાં તેમને 325 મત મળ્યા. ગુપ્ત મતદાનમાં તેમને 630 માંથી 316 મતોની જરૂર હતી, પરંતુ પહેલા રાઉન્ડમાં તેમને ફક્ત 310 મત મળ્યા, જ્યારે તેમના ગઠબંધનને 328 બેઠકો મળી.
જર્મનીના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે ચાન્સેલર પદ માટેના ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા. જો મેર્ટ્ઝ અથવા અન્ય કોઈ ઉમેદવાર બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય, તો રાષ્ટ્રપતિ સંસદનું વિસર્જન કરી શકે છે.
ફેબ્રુઆરીમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં, CDU/CSU ગઠબંધનને 28.5 ટકા સાથે સૌથી વધુ મત મળ્યા. જોકે, બહુમતી સરકાર બનાવવા માટે તેમને બીજા પક્ષનો ટેકો લેવો પડ્યો.
જર્મન રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઈનમેયરે તેમને શુભકામનાઓ પાઠવતા એક ટૂંકું ભાષણ આપ્યું. આ પછી, મર્ટ્ઝ તેમની કારમાં સંસદ જવા રવાના થયા, જ્યાં તેમણે શપથ લીધા.