કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા નવી દિલ્હી ખાતે શુક્રવારથી શરૂ થયેલી B20 સમિટની ત્રણ દિવસીય બેઠક દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમને ખાસ કરીને દેશમાં વધી રહેલા ફુગાવાને નિયંત્રણમાં લાવવાની પ્રાથમિકતા ઉપરાંત આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત તેમણે સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણ પર પણ ભાર મૂક્યો હતો.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિદર નોંધપાત્ર રહેશે અને સરકારની પ્રાથમિકતા ફુગાવાને અંકુશમાં લાવવાનો છે જે અત્યારે 15 મહિનાના સર્વાધિક સ્તરે છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ 31 ઓગસ્ટના રોજ એપ્રિલ-જૂન ક્વાર્ટરના GDP ડેટા રજૂ કરશે. યુએસ ફેડ રિઝર્વ જેક્સન હોલથી શું કહેશે તેના પર સૌની નજર છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા પોલિસીને લઇને શું જાહેરાત કરવામાં આવશે તેના પર દરેક રોકાણકારોની નજર રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિદર માટે પ્રથમ પ્રાથમિકતા ફુગાવાને નિયંત્રણ હેઠળ લાવવાનું કામ છે કારણ કે સતત વધુ મોંઘવારીથી માંગ નબળી પડશે.
આ બેઝિક ઇકોનોમી છે. તેમાં કંઇક જ નવીન નથી. કેટલાક ચોક્કસ સમય માટે સતત ઊંચા વ્યાજદરો અર્થતંત્રમાં રિકવરીને આડે અવરોધ બની શકે છે. મોંઘવારીને ઘટાડવા માટે માત્ર વ્યાજદરોનો ઉપયોગ વલણમાં પણ કેટલાક અંશે નુકસાન છે.