સાતમ-આઠમના તહેવારોની રજામાં ફરવા ગયેલા સોની વેપારીના બંધ મકાનમાં પોણા લાખની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોઠારિયા રોડ, હુડકો ક્વાર્ટરમાં રહેતા અને આશાપુરા મેઇન રોડ પર જ્વેલર્સની દુકાન ધરાવતા ધર્મેશભાઇ રસિકભાઇ ધાનક નામના વેપારીની ફરિયાદ મુજબ, સાતમ-આઠમની રજા હોવાથી તા.8ની સવારે મકાન બંધ કરી પત્ની, બાળકો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા.
રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે ફરીને પરત રાજકોટ ઘરે પહોંચ્યા હતા. પત્ની બીજા માળે રૂમમાં સામાન મૂકવા જતા તેમને બૂમ પાડીને પોતાને બોલાવ્યો હતો. ઘરમાં જતા અંદર બધી વસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી. બાદમાં કબાટના ડ્રોઅરમાં રાખેલા રોકડા રૂ.75 હજાર ચેક કરવા જતા તે રકમ અંદર જોવા મળી ન હતી. રોકડ રકમ ગુમ થઇ જતા ઘરમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ઘર પાસે ત્રણ શખ્સ જોવા મળ્યા હતા. બાદમાં એક તસ્કર મકાનના રવેશમાંથી ઘરમાં પ્રવેશી અંદરથી ચોરી કરીને પરત બહાર આવતો કેમેરામાં કેદ થયો હોય ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.