આટકોટ આટકોટમાં ચિતલીયા રોડ પર આવેલી વાડીમાંથી ચોરાયેલી બે ભેંસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને પશુઓને મૂળ માલિકને આપવા તજવીજ હાથ ધરી છે. વાડી માલિકે ખેતરમાં ભેંસ બાંધીને રાખી હતી અને રાતના અંધકારનો લાભ લઇ આરોપી તેને હાંકી ગયો હતો અને બાદમાં ટ્રોલીમાં ચડાવીને દુર હંકારી ગયો હતો પરંતુ ખેડૂતોની સજાગતાના પગલે એ ચોર તારાપુર ચોકડીએથી ઝડપાઇ ગયો હતો. આટકોટનાં ચિતલીયા રોડ પર આવેલી વાડીમાંથી બે ભેંસની ચોરીની ફરિયાદ જયસુખભાઈ વલ્લભભાઈ વઘાસિયાએ નોંધાવી હતી અને તેના આધારે આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ ખેડૂતો પણ પોતાના પશુઓની શોધખોળ માટે દોડી રહ્યા હતા, એવામાં ભેંસની ચોરી કરનાર શખ્સ કે જે તારાપુર પાસે આવેલી હોટલમાં રાત્રિના સમયે નાસ્તા પાણી કરવા માટે રોકાયા હતા ત્યારે આટકોટના ખેડૂતોની ટીમ ત્યાં અનાયાસે પહોંચી હતી અને બે ભેંસ સાથેની યુટીલીટી જોઈ જતાં તેમણે ખાતરી કરી હતી કે આ તેમના જ પશુઓ છે.
આથી લોકોએ વીંછિયા તાલુકાનાં રૂપાવટી ગામનો મહેન્દ્ર ઉર્ફ જીગો દોલાભાઈ સાઠમિયાને લોકોએ પકડી પાડયો અને બાદમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં લાવવા આવ્યો હતો. આટકોટ પોલીસે પુછપરછ કરતાં તેણે અન્ય ત્રણ શખ્સના નામ આપ્યા હતા. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આટકોટ પોલીસના પી.એસ.આઇ એન પી ગોહિલ, જે.એમ ધાગીયા, પારસભાઈ જાંબુડીયા સહિતની ટીમે મૂળ માલિકને બન્ને પશુ સોંપી દીધા હતા અને સાથે રાત્રે વાડીમાં ભેંસને ન રાખવા સલાહ આપી હતી.