શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પ્રૌઢે આર્થિક ભીંસથી અને વિધવાએ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા છે.સંત કબીર રોડ, ત્રિવેણી ગેટ અંદર આવેલા આર્યનગર-21માં રહેતા ભાવેશભાઇ મનસુખભાઇ મોનાણી નામના પ્રૌઢે ગુરુવારે સવારે તેના ઘરે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પત્નીને થતા 108ને બોલાવી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ભાવેશભાઇનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.
બી ડિવિઝન પોલીસે મૃતક ભાવેશભાઇની પત્ની દિપાલીની પૂછપરછ કરતાં પતિ છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા હતા. આજે સવારે પુત્ર, પુત્રી બંને સ્કૂલે ગયા હતા. પોતે શાકભાજી લેવા ગયા હતા. ત્યારે પતિ ઘરે એકલા હોય પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કામ ન મળવાને કારણે આર્થિક ભીંસ અનુભવતા હોવાને કારણે જિંદગી ટૂંકાવી હોવાનું મૃતકની પત્નીએ પોલીસને જણાવ્યું હતું. આપઘાતના અન્ય એક બનાવમાં લાખનાં બંગલા પાસે મહાવીરનગર મેઇન રોડ પર રહેતા મંજુલાબેન મનસુખભાઇ ચાવડા નામના વિધવાએ એસિડ પીને આપઘાત કરી લીધો હતો.