વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ વચ્ચે ભારતીય એસએમઇ કંપનીઓએ વિસ્તરણની યોજના ઘડી છે. મંદીમાં કમાણીની તક શોધી 2023માં 110થી વધુ કંપનીઓએ વિસ્તરણ યોજનાના ભાગરૂપે રેકોર્ડ 2800 કરોડનું ફંડ એકત્ર કર્યું છે તેની સામે મેઇનબોર્ડમાં ગતવર્ષની તુલનાએ માત્ર 25 ટકા એટલે કે 17500 કરોડનું ફંડ 21 કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે આર્થિક અનિશ્ચિતત્તા અને મોંઘવારીના કારણે લાર્જસ્કેલની કંપનીઓએ વિસ્તરણ યોજના પડતી મૂકી છે. જોકે અત્યાર સુધીમાં એસએમઇ અને મેઇન બોર્ડમાં થઇને કુલ 140 જેટલા આઇપીઓ યોજાઇ ગયા છે જેમાંથી સરેરાશ 85 ટકાથી વધુ કંપનીઓ રોકાણકારોને કમાણી કરવામાં સફળ સાબીત થઇ છે. જ્યારે 60 ટકાથી વધુ એસએમઇ કંપનીઓએ તો 75 થી 250 ટકા સુધીનું આકર્ષક રિટર્ન આપ્યું છે.
આઈપીઓના માધ્યમથી નવા શેર જારી કરીને કંપનીઓ આ વર્ષે અત્યાર સુધી શેર બજારમાંથી સરેરાશ રૂ.20000 કરોડથી વધુ મૂડી ભેગી કરી ચૂકી છે. આ એક વર્ષમાં એસએમઇ આઈપીઓ થકી ભેગા કરાયેલા ફંડનો સૌથી મોટો આંકડો છે. કમાણીમાં રોકાણકારોનો એક જ મત જોવા મળ્યો ‘રિસ્ક હૈ તો રિટર્ન હૈ’ તેમજ ફાઇનાન્સિયલ લિટરસી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી રોકાણકારોએ કમાણીનો માર્ગ મોકળો કર્યો છે.