આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા. રંગીલું રાજકોટ પણ આ સમસ્યામાંથી બાકાત નથી. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે લોકો અન્ય વિકલ્પો વિશે વિચારે તે સ્વભાવિક છે અને તેમાં સૌથી પહેલો વિકલ્પ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિચારે તેમાં બેમત નથી, પરંતુ રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા જરૂરિયાતના પ્રમાણમાં માત્ર 5 ટકા જ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે અને તેના પરિણામે દરરોજ માત્ર ત્રણ ટકા લોકો જ આ સુવિધાનો લાભ લઇ શકે છે. જો કે એ પણ હકીકત છે કે, રંગીલા રાજકોટના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લાભ લેવામાં પણ નિરસ છે.
મુંબઇ જેવા મેટ્રો શહેરમાં 52 ટકા મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. અમદાવાદ જેવા શહેરમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા 12 ટકા કરતા વધુ છે. જ્યારે રાજકોટ શહેરમાં આ સંખ્યા માત્ર ત્રણ ટકા જેટલી જૂજ છે. જેના માટે નાગરિકો મુસાફરી માટે તૈયાર ન હોવાનો તંત્ર દાવો કરે છે જે સદંતર ખોટો છે. હકીકત એ છે કે, રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની જે સુવિધા હોવી જોઇએ તે તદ્દન પાંખી છે. સામાન્ય રીતે 1000ની વસતીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 1 બસની સુવિધા હોવી જોઇએ.