જહાંગીરપુરા-કોસાડ વોર્ડ નં-1ના ભાજપના કોર્પોરેટર અજીત ઈશ્વર પટેલ (ભેંસાણીયા)ના પુત્ર દિવ્યેશે લાઇસન્સવાળી રિવોલ્વરથી લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ કર્યું હતું. જો કે, ગોળી દીવાલમાં વાગી હતી. કોઈએ 100 નંબર પર કોલ કરી દેતા પાલ પોલીસ દોડી આવી હતી અને દિવ્યેશને ઝડપી રિવોલ્વર કબજે કરી હતી.
પાલ ગૌરવપથ આવાસમાં રહેતા લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાભોરે ફરિયાદ આપતા પોલીસે દિવ્યેશ પટેલ (રહે, ભેંસાણ ગામ) સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટની કલમ, એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે દિવ્યેશ ભેસાણમાં ઈશ્વર કૃપા એપાર્ટમેન્ટ બનાવી રહ્યો છે. બુધવારે સાંજે તેની અલ્પેશ સાથે સાઇટ પર બાંધકામને લઈ માથાકૂટ થઈ હતી. કોન્ટ્રાકટરને જે કામ આપ્યું તે પૂરું કરી દીધું, વધારાનું કામ બાકી રહેતા દિવ્યેશે મારામારી કરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
કોર્પોરેટરના પુત્રને રિવોલ્વરનું લાયસન્સ કેવી રીતે મળી ગયું?
કોર્પોરેટરના પુત્ર દિવ્યેશને રિવોલ્વરનું લાયસન્સ કેવી રીતે મળી ગયું તે તપાસનો વિષય છે. આ માટે તેણે પોલીસમાં કારણ શું બતાવ્યું, જેવી બારીકાઈથી તપાસ કરાય તો ઘણું બહાર આવી શકે છે.