મંગળવારે શેરબજારમાં ફરી એકવાર દિવાળીના માહોલ વચ્ચે તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પણ તેજી જોવા મળી હતી. ઘણાં દિવસો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી સતત બીજા દિવસે એકવાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 363 પોઈન્ટના ઉછાળા સાથે 80369 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 127 પોઈન્ટના ઉછાળા સાથે 24477 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૬૬ પોઈન્ટના ઉછાળા સાથે 52294 પોઈન્ટના સ્તરે બંધ થયો.
છેલ્લા પાંચ સત્રમાં સતત ઘટયા બાદ ઈક્વિટી બજારમાં આજે સાવચેતીભર્યો સુધારો જોવાયો હતો. બેન્કિંગ તથા મેટલ શેરોની આગેવાની હેઠળ મોટાભાગના ક્ષેત્રોમાં નીચા મથાળેથી ખરીદી નીકળી હતી. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ખેલાડીઓ વધુ પડતું લેણ કરવાથી દૂર રહી સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા હોવાનું જણાય છે. મધ્યપૂર્વમાં યુદ્ધની શકયતા હાલમાં ટળી ગયાનું જણાતા રોકાણકારોના માનસને ટેકો મળ્યો છે. જો કે વિદેશી ફન્ડોનું હેમરિંગ ચાલુ રહ્યું હતું. ફન્ડ હાઉસની વર્તમાન મહિનામાં ઈક્વિટીમાં વધુ રૂપિયા 3200 કરોડની નેટ વેચવાલી આવી હતી.