દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરીજનોને સુવિધા મળી રહે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કમિશનરને નોંધ કરી છે.
મહિલા અને 15 વર્ષ સુધીના બાળકો માટે વ્યવસ્થા
દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓ અને બાળકો પોતાના શહેરમાં રહેતા અન્ય પરિવારજનોને મળવા જઈ શકે એના માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. દિવાળી ટાણે મહિલાઓ ખરીદી કરવા માટે પણ ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં જતી હોય છે. મહિલાઓને વિનામૂલ્યે પોતાના ગંતવ્ય સ્થળ ઉપર દિવાળીના સમયે જવા મળે તે માટે વ્યવસ્થા કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કમિશનરને જાણ કરી છે. મહિલાઓ તેમજ 15 વર્ષ સુધીના બાળકોને પણ સિટી બસ અને બીઆરટીએસ બસની મુસાફરી વિનામૂલ્યે કરી શકે તે માટે સૂચન કર્યું છે.