નેધરલેન્ડ્સમાં બુધવારે થયેલી ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. કટ્ટરવાદી પાર્ટી ફોર ફ્રીડમ (પીવીવી) 37 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ગત વખતે પીવીવીને 17 સીટ મળી હતી. નેધરલેન્ડ્સમાં પહેલી વાર કટ્ટરપંથી નેતા ગીર્ટ વિલ્ડર્સ પીએમની દોડમાં સૌથી આગળ છે. તેઓ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને યોગ્ય ગણાવી ચૂક્યા છે.
વિલ્ડર્સનું કહેવું છે કે ભારતમાં સૌથી સ્વસ્થ લોકશાહી છે જ્યારે પાકિસ્તાન 100 ટકા આતંકી દેશ છે. પાકિસ્તાનમાં તેમની વિરુદ્ધ ફતવો જારી થઇ ચૂક્યો છે. મોહમ્મદ પયંગબર પર ભાજપ નેતા નુપૂર શર્માની ટિપ્પણી પર વિલ્ડર્સે તેમને હીરો ગણાવ્યાં હતાં. વિલ્ડર્સ ઇસ્લામને ખતરનાક ધર્મ બતાવવાની સાથે નેધરલેન્ડ્સમાં કુરાન અને મસ્જિદો પર પ્રતિબંધની વાત કરી ચૂક્યા છે.
વિલ્ડર્સ ઇસ્લામની સાથે શરણાર્થીઓ, પ્રવાસીઓ અને યુરોપિયન યુનિયનની નીતિઓની પણ વિરુદ્ધ છે. તેઓ કહેતા રહે છે કે નેધરલેન્ડ્સમાં એક પણ શરણાર્થી ના આવવા જોઇએ. નેધરલેન્ડમાં ચૂંટણી દરમિયાન વિલ્ડર્સ ત્રણ પ્રમુખ મુદ્દાઓને કારણે છવાયેલા રહ્યા હતા. જેમાં શરણાર્થીઓનો મુદ્દો સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો હતો.