માળિયા હાટીનાના ભંડુરી ગામના મહિલાને કેન્સરની સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાની સાથે આવેલા તેના પતિનું હોસ્પિટલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. ભંડુરીના મોતીબેન લાખાભાઇ રાઠોડ (ઉ.વ.60)ને કેન્સર હોવાનું નિદાન થતાં મોતીબેનને કેન્સરની સારવાર માટે મંગળવારે રાજકોટમાં હનુમાન મઢી પાસે આવેલી કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મોતીબેનની સાથે તેમની સંભાળ રાખવા તેમના પતિ લાખાભાઇ દાનાભાઇ રાઠોડ (ઉ.વ.63) પણ સાથે આવ્યા હતા. લાખાભાઇ હોસ્પિટલમાં દર્દીની બાજુમાં હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બેભાન થઇ જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લાખભાઇ અગાઉ રેલવેમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત્ત જીવન જીવતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.