રાજકોટમાં ગુરુવારે જીએસટીની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો અને વિવિધ સેક્ટરના વેપારીઓને ત્યાં અધિકારીઓ તપાસ અર્થે પહોંચી ગયા હતા. જોકે દિવાળી પહેલા જ કરચોરી પકડવા માટે તપાસ કરીને જીએસટી વિભાગે બોણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તપાસ સ્થળ જાહેર કરવામાં અધિકારીઓએ મૌન સેવી લીધું છે.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સીજીએસટી અને એસજીએસટીના સંયુક્ત ઉપક્રમે આ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે જેમાં બંને વિભાગના અધિકારીઓ જોડાયા છે. તાજેતરમાં જન્માષ્ટમી ગણેશોત્સવ અને નવરાત્રિ પર્વ પૂરો થયો તહેવારને કારણે દરેક સેક્ટરમાં વેપાર વધુ થયો હતો આથી વેચાણ મુજબ જ ટેક્સ ભરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું અનુમાન છે.
બીજી એવી પણ ચર્ચા છે કે બોગસ બિલિંગ કૌભાંડ માટે રાજકોટ સહિત રાજ્યભરમાં નોટિસ મોકલાઈ છે અને તપાસ કરવામાં આવી છે. નોટિસ ખોટી રીતે મોકલાઈ હોવાની વ્યાપક ફરિયાદ બાદ આ નોટિસ પરત ખેંચી લેવાની ખાતરી મળી છે. ત્યારે બોગસ બિલિંગ સંદર્ભે માત્ર ચેકિંગ કરવા આ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે જોકે તપાસના કારણો અને સ્થળ માટે અધિકારીઓએ મૌન સેવી લીધું છે.