ઇઝરાયલ-હમાસ યુદ્ધના 49 દિવસ બાદ હમાસે બંધક બનેલા 12 થાઇ નાગરિકોને મુક્ત કર્યા છે. થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થવિસિને એક્સ પર આ માહિતી આપી. તેમણે કહ્યું- હમાસે અમારા 12 નાગરિકોને મુક્ત કર્યા છે. દૂતાવાસના અધિકારીઓ તેમને લેવા જઈ રહ્યા છે. થાઈ સરકારના જણાવ્યા અનુસાર, તેમના 26 નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.
દરમિયાન, ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, હમાસે 13 ઈઝરાયલ બંધકોને પણ મુક્ત કર્યા છે. એટલે કે હમાસે અત્યાર સુધીમાં કુલ 25 બંધકોને મુક્ત કર્યા છે. આ તમામ બંધકો ઇજિપ્તની રાફા સરહદે પહોંચી ગયા છે. તેમને ગાઝાથી ઈજિપ્ત થઈને ઈઝરાયલના હેટઝરિમ એરબેઝ પર લાવવામાં આવશે. ઈઝરાયલે બંધકોને પરત લાવવા માટેના આ ઓપરેશનને 'હેવન્સ ડોર' નામ આપ્યું છે.
ઈજિપ્તે થોડા સમય પહેલા માહિતી આપી હતી કે થાઈલેન્ડથી 12 બંધકોને છોડાવવા માટે પણ સમજૂતી થઈ છે. આ પહેલા માત્ર 13 ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની વાત થઈ હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, 4 દિવસના યુદ્ધવિરામ દરમિયાન 150 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં કુલ 50 બંધકોને મુક્ત કરવા પર સહમતિ બની છે.