રાજકોટ, સુરત અને અમદાવાદમાં એક સાથે 28 ડ્રાયફ્રૂટના વેપારીઓના 51 સ્થળ પર રાજ્યની જીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવારમાં મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનું વેચાણ થયું હોવાથી આ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસના અંતે આ 28 વેપારી પાસેથી 20 કરોડ રૂપિયાની કરચોરી થતી હોવાનું બહાર આવ્યું છે.
જીએસટીની સ્ટેટ મોનિટરિંગની ટીમે રાજકોટમાં પરાબજારમાં આવેલી મુલચંદ ટેકચંદ અડવાણી, સાગર ફૂડસ અને પંજવાણી ઇન્ટરનેશનલ તેમજ દાણાપીઠમાં આવેલી મીત ડ્રાયફ્રૂટ નામની પેઢીમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. દિવાળીના તહેવાર દરમિયાન ડ્રાયફ્રૂટનું વેચાણ વધુ થતું હોય છે ત્યાર તહેવાર પૂરા થયાના થોડા દિવસો બાદ જ જીએસટીના અધિકારીઓએ પેઢીમાં તપાસ શરૂ કરી કરોડો રૂપિયાની ટેક્સચોરી પકડી છે.
અધિકારીઓએ ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી સાહિત્ય જપ્ત કર્યું હતું અને તહેવાર દરમિયાન ચિઠ્ઠી પર કરેલા વેચાણની વિગતો એકત્ર કરી હતી. રાજકોટ, અમદાવાદ અને સુરતની પેઢીમાં પ્રાથમિક તપાસમાં 25 કરોડ રૂપિયાની જીએસટી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યમાં અન્ય શહેરમાં ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં જીએસટીની સ્ટેટની ટીમે દરોડા પાડ્યા હતા તેની સાથે અમદાવાદમાં 38 મોટી હોટેલમાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં તંત્રએ 5 કરોડ રૂપિયા ટેક્સ પેટે વસૂલ કર્યા છે.